ઊંચા ઊંચા શત્રુંજયના શિખરો સોહાય,
વચ્ચે મારા દાદા કેરા દેરા ઝગમગ થાય,
દાદા તારી યાત્રા કરવા, મારું મન લલચાય,
તળેટીએ શીશ નમાવી, ચઢવા લાગું પાય,
પાવન ગિરિનો સ્પર્શ થાતાં, પાપો દૂર પલાય.
લીલી લીલી ઝાડીઓમાં, પંખી કરે કલશોર,
સોપાન ચઢતાં ચઢતાં જાણે, હૈયું અષાઢી મોર,
કાંકરે કાંકરે સિધ્યાં અનંતા, લળી લળી લાગું પાય.
પહેલી આવે રામ પોળ ને, ત્રીજી વાઘણપોળ,
શાંતિનાથનાં દર્શન કરતાં, પહોંચ્યા હાથી પોળ,
સામે મારા દાદા કેરા, દરબાર દેખાય.
દોડી દોડી આવું દાદા, દર્શન કરવા આજ,
ભરેલી ભક્તિ કરીને, સાધું આતમ કાજ,
મરુદેવાના નંદન નીરખી, જીવન પાવન થાય.
ક્ષમા ભાવે ઓમકાર પદનો, નિત્ય કરીશ હું જાપ,
દાદા તારાં ગુણલાં ગાતાં, કાપીશ ભવનાં પાપ,
“પદ્મવિજય’ને હૈયે આજે, આનંદ ઊભરાય.